મૂર્તિપૂજા પર શાસ્ત્રાર્થ
(ફેસબુક પર એક ગ્રુપ બનાવી મહર્ષિ દયાનંદ અને આર્યસમાજ વિરુદ્ધ અપશબ્દો લખીને મૂર્તિપૂજાની વકિલાત કરનાર હિરેન ત્રિવેદીને આર્યસમાજના વિદ્વાન શ્રી ભાવેશભાઈ મેરજાએ બહુ જ ઉત્તમ રીતે જવાબ આપ્યો
અને કેટલાક તાર્કિક પ્રશ્નો પણ પૂછ્યા. જે નીચે પ્રસ્તુત છે.)
શ્રી હિરેન ભાઈ ત્રિવેદીને ઉત્તરઃ (કુલ ચાર ભાગમાં)
ભાગઃ ¼
મેં જે ત્રણ વેદમંત્રો ઈશ્વર સાકાર નથી અને તેની મૂર્તિ બની શકતી નથી આથી મૂર્તિપૂજા વેદ-વિરુદ્ધ છે, એ બતાવવા માટે સાર્થ ટાંક્યા હતા, એ તમને માન્ય નથી એ જાણ્યું. તમને એ કેમ માન્ય નથી એ પણ હું સમજું છું. તમે મારી એ કોમેંટ પર જે કંઈ લખ્યું છે તેનો અહીં ક્રમશઃ પ્રત્યુત્તર આપું છું. યથાયોગ્ય વિચાર કરશો -
1. તમે લખ્યું છે કે न तस्य प्रतिमा अस्ति આ યજુર્વેદ મંત્રનો “સાચો અર્થ થાય છે એની કોઈ ઉપમા (તુલના) નથી, કેમ કે એમનો મહિમા અનંત છે. એ સંપૂર્ણ સૃષ્ટિને પોતાના ગર્ભમાં ઘારણ કરવાવાળા (હિરણ્યગર્ભ) છે, સર્વ વ્યાપક છે (કણ કણમાં એમનો વાસ છે).” ભાઈ હિરેન, તમે આ જ વાત પર થોડો વિચાર કરો. જે સત્તા સર્વવ્યાપક અને કણ કણમાં વ્યાપ્ત હોત તે કદી ભૌતિક કે સાકાર હોય એ સંભવ છે? “વ્યાપ્ય” (pervaded) પદાર્થ કરતાં “વ્યાપક” (pervader) પદાર્થ હંમેશાં સૂક્ષ્મ હોય છે. અમારું પણ આ જ કહેવું છે કે ઈશ્વર સમસ્ત જગત તથા સર્વ જીવોમાં વ્યાપક છે. વેદમાં પણ કહ્યું છે – “ઈશા વાસ્યમિદં સર્વમ્ યત્કિંચ જગત્યાં જગત્…” (યજુ. 40.1) તથા “સ ઓતશ્ચપ્રોતશ્ચ વિભૂઃ પ્રજાસુ” (યજુ.32.8) આવો સર્વવ્યાપી ઈશ્વર નિરાકાર જ હોઈ શકે, હાથ-પગ આદિ અવયવો ધરાવતો ભૌતિક શરીરયુક્ત ન હોઈ શકે. આ તથ્યનો શાંતિથી વિચાર કરો. તમને પણ સારી રીતે સમજાઈ જશે, જો તમારો ઉદ્દેશ્ય સત્યને જાણવા-સમજવાનો હોય તો. આથી જ યજુર્વેદના न तस्य प्रतिमा अस्ति મંત્રમાં ઈશ્વરની “પ્રતિમા”નો નિષેધ કર્યો છે. પ્રતિમાનો અર્થ મૂર્તિ થાય છે એ નિર્વિવાદ છે. માનવું જ ન હોય તેનો કોઈ ઈલાજ ન હોઈ શકે. વાત પણ સરળતાથી સમજાઈ જાય એવી છે કે જે સત્તા સર્વત્ર વ્યાપક અને અનંત હોય તેની કોઈ મૂર્તિ, ચિત્ર, મોડલ, સાદૃશ્ય, આકૃતિ, પરિમાણ આદિ કદી બની કે હોઈ ન શકે. એ સર્વથા, સર્વદા નિરાકાર જ હોય. બસ, આર્યસમાજનું પણ આ જ કહેવું છે. શાંત મને વિચાર કરો, આ સમજાય જાય તેવું સત્ય છે. વેદમાં ઈશ્વરનું નિરાકારત્વ તથા સર્વવ્યાપકત્વ સમજાવવા માટે આકાશ (અનુત્પન્ન અનંત અવકાશ – space)ની હીન-ઉપમા આપવામાં આવી છે અને લખ્યું છે કે – “ઓમ્ ખમ્ બ્રહ્મ” (યજુ. 40.17). આમ, વેદની દૃષ્ટિએ ઈશ્વર આકાશની માફક અનંત વ્યાપક, નિરાકાર છે.
2. તમે न तस्य प्रतिमा अस्ति આ વેદમંત્રના સંબંધમાં લખ્યું છે કે – એ વખતે અવતાર થયેલા નહોતા એટલે પ્રતિમાનો અર્થ મૂર્તિ કરી જ ન શકાય. ભાઈ, વેદો તો સૃષ્ટિના આરંભમાં પ્રકાશિત થયા છે, પરંતુ તેમાં સર્વજ્ઞ પરમાત્માએ પોતાના સ્વરૂપનું તથા તેનું ધ્યાન-ઉપાસનાનું વિજ્ઞાન પણ પ્રકાશિત કર્યું છે. તેમાં આ મંત્ર દ્વારા આપણને જ્ઞાન આપ્યું છે કે - હું અદ્વિતીય છું, મારા જેવું કોઈ નથી, મારું કોઈ પ્રતીક, મૂર્તિ, પ્રતિમા આદિ પણ નથી. “પ્રાપ્ત-નિષેધ” અને “અપ્રાપ્ત-નિષેધ”ને સમજશો તો આ વાત તમને પણ સમજાય જશે. અવતારની કલ્પના પૌરાણિક છે; વેદ તથા વૈદિક ગ્રંથોમાં ક્યાંય અવતારનો ઉલ્લેખ નથી. જ્યારથી ઈશ્વરનું વેદોક્ત સ્વરૂપ ભૂલાયું ત્યારથી આવા અવૈદિક તથા તર્ક-વિરુદ્ધ ખ્યાલો પ્રચલિત થયા. પતંજલિ મુનિએ તેમના યોગદર્શનમાં ઈશ્વર સાક્ષાત્કારના વૈદિક વિજ્ઞાનનો પ્રકાશ કર્યો છે અને અસંપ્રજ્ઞાત સમાધિ અને મોક્ષની પ્રાપ્તિ પર્યંતની વિદ્યા સૂત્રાત્મક શૈલીમાં પ્રસ્તુત કરી છે, પરંતુ તેમાં તેમણે ક્યાંય મૂર્તિ, અવતાર, મંદિર આદિનો કોઈ જ ઉલ્લેખ કર્યો નથી. આ તથ્ય પર પણ વિચાર કરો. પતંજલિ મુનિ આર્યસમાજી નહોતા !
(ક્રમશઃ)
શ્રી હિરેન ભાઈ ત્રિવેદીને ઉત્તરઃ (કુલ ચાર ભાગમાં)
ભાગઃ 2/4
3. તમે “स पर्यगाच्छुक्रमकायम्” આ વેદ મંત્રના સંબંધમાં લખ્યું છે કે - ઈશ્વર સર્વવ્યાપી છે, સર્વવ્યાપક છે, આમાં મૂર્તિપૂજાનો વિરોધ ક્યાં છે, વગેરે. ભાઈ હિરેન, જે સર્વવ્યાપી અને સર્વવ્યાપક હોય તે એકદેશી અને આકારયુક્ત ન જ હોય એ જ્ઞાન તો અર્થાપત્તિથી સિદ્ધ થાય છે. આ મંત્રમાં ઈશ્વરને “અકાયમ્” (bodyless) લખ્યા છે, ઈશ્વરના શરીરનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. એ તરફ ધ્યાન ન ગયું? જેને શરીર નથી તેની મૂર્તિઓ બનાવવાનું અને તે મૂર્તિઓને પૂજવાનું છે કોઈ ઔચિત્ય?
4. તમે લખ્યું છે કે - ઈશ્વર નિરાકાર છે તો ઋગ્વેદ મંડળ 10 સૂક્ત 91માં વર્ણિત “દિવ્ય પુરુષ” કોણ છે? ભાઈ, તમે સૂક્ત સંખ્યા લખવામાં ભૂલ કરી છે, 91ને બદલે 90 લખવું જોઈતું હતું. હશે, ભૂલ થઈ ગઈ હશે. ઋગ્વેદનું આ 90મું સૂક્ત ‘પુરુષ સૂક્ત”ના નામે સુપ્રસિદ્ધ છે. અન્ય વેદમાં પણ આ સૂક્ત આવે છે. આ સૂક્તમાં ઈશ્વરને માટે “પુરુષ” શબ્દનો પ્રયોગ થયેલો જોઈ એમ સમજી લેવું કે ઈશ્વર આપણા જેવા પુરુષ (Male human being) છે, બહુ જ સ્થૂળ બુદ્ધિનો પરિચય આપે છે. વૈદિક શબ્દો યૌગિક હોય છે, રુઢિ નથી હોતા. વેદની ભાષાનું આ વૈશિષ્ટ્ય સમજવું જ રહ્યું. અહીં ઈશ્વરને માટે આ પુરુષ શબ્દ પણ યૌગિક અર્થમાં જ પ્રયુક્ત થયો છે - પુરિ સર્વસ્મિન્સંસારેઽભિવ્યાપ્ય સીદતી વર્ત્તત ઇતિ. યઃ સ્વયં પરમેશ્વર ઇદં સર્વ જગત્ સ્વરૂપપેણ પૂરયતિ વ્યાપ્નોતિ તસ્માત્સ પુરુષઃ; પુરુષં પુરિશય ઇત્યાચક્ષીરન્ (દ્ર. મહર્ષિ યાસ્ક રચિત નિરુક્ત 1.13) આમ, ઈશ્વર આ સંપૂર્ણ ‘પુર’ અર્થાત્ બ્રહ્માંડમાં, આપણાં શરીર તથા આત્મામાં પણ અંતર્યામી રૂપે વ્યાપક હોવાથી ‘પુરુષ’ કહેવાય છે. આવા ઈશ્વરમાં સર્વજ્ઞતા, સર્વવ્યાપકત્વ, સર્વસામર્થ્ય આદિ અનેક દિવ્ય ગુણો હોવાથી તે દિવ્ય પુરુષ છે. આથી પુરુષ સૂક્તમાં આવતા પુરુષ શબ્દથી ઈશ્વરને સાકાર માની લેવા ઉચિત નથી.
5. તમે પ્રશ્ન કર્યો છે કે – ઈશ્વર સર્વવ્યાપક છે તો મૂર્તિમાં કેમ નહીં? ભાઈ, તે મૂર્તિમાં પણ વ્યાપક છે, પરંતુ એથી મૂર્તિ ઈશ્વર નથી થઈ જતી. વ્યાપક અને વ્યાપ્યનો ભેદ તો સમજવો જ રહ્યો. વ્યાપક અને વ્યાપ્ય ભિન્ન-ભિન્ન પદાર્થ હોય છે, તે અભિન્ન નથી હોતા. મૂર્તિ તો ભાંગી જાય છે, ચોરાઈ જાય છે, પડી પણ જાય છે. પરંતુ ઈશ્વર ન તો ભાંગી જાય છે, ન તો કોઈ તેને ચોરીને લઈ જઈ શકે છે અને ન તો તે પડી જાય છે. તે તો અનાદિ કાળથી જેવો છે તેવો ને તેવો અનંત કાળ સુધી વર્તમાન રહે છે. આપણું કર્તવ્ય છે કે આપણે તેના યથાર્થ સ્વરૂપને સમજીએ. બીજું, ઈશ્વર તો સર્વવ્યાપક હોઈ મૂર્તિમાં પણ વિદ્યમાન છે, પરંતુ મારો કે તમારો આત્મા તો આપણાં શરીરમાં જ બદ્ધ છે. માટે આત્મા ઈશ્વરનો સાક્ષાત્કાર પોતાના હૃદયપ્રદેશમાં જ કરી શકે છે કે જ્યાં બંને ઈશ્વર અને આત્મા મોજૂદ હોય છે.
(ક્રમશઃ)
શ્રી હિરેન ભાઈ ત્રિવેદીને ઉત્તરઃ (કુલ ચાર ભાગમાં)
ભાગઃ ¾
6. તમે પ્રશ્ન કર્યો છે કે – ઈશ્વર દયાળુ છે, ન્યાયકારી છે, તો શરીર વિના ન્યાય કેવી રીતે કરે? ભાઈ, ન્યાય, દયા આદિ કરવા માટે તે સર્વશક્તિમાન છે. તે નિરાકાર હોવા છતાં સમસ્ત બ્રહ્માંડની રચના કરી શકે છે, તો પછી ન્યાય, દયા આદિ કરવામાં, સૃષ્ટિનું સંચાલન કરવામાં એ ચેતન, સર્વવ્યાપક, અંતર્યામીને શરીર જેવા કોઈ ભૌતિક ઉપકરણની બિલકુલ આવશ્યકતા નથી હોતી. તેની કર્મફળ વ્યવસ્થા તથા સર્વ જીવો પ્રત્યે દયા અનાદિ કાળથી ચાલ્યાં આવે છે અને સદૈવ બની રહેશે, કારણ કે એ તે અનાદિ, અનુત્પન્ન, નિત્ય સત્તા છે. તેનાં ગુણ-કર્મ-સ્વભાવ નિત્ય અનાદિ છે.
7. તમે લખ્યું છે કે - હજારો માથાં, હજારો હાથ, હજારો પગ શરીર વિના છે? ભાઈ હિરેન, તમે વેદનું કાવ્યત્વ અને તેની પ્રતિપાદન શૈલી પર વિચાર કરશો તો આવા પ્રશ્ન નહિ થાય. પુરુષ સૂક્તના આ પ્રથમ મંત્રમાં ઈશ્વરની વ્યાપકતાનું વર્ણન કરવામાં આવ્યું છે અને એ બતાવવા માટે કે તેની સત્તામાં, તેની વ્યાપ્તિમાં અસંખ્ય માથાં, અસંખ્ય આંખો, હાથ વગેરે સ્થિત છે. આ મંત્રમાં ઈશ્વરને સહસ્રશીર્ષા, સહસ્રાક્ષ, સહસ્રપાત્ વગેરે તે અનંત છે, એ બતાવવા માટે છે. બાકી તો જો તમારી કલ્પનાને અનુસરીએ તો પ્રશ્ન થાય કે આ તે કેવો ઈશ્વર છે કે જેને માથાં તો 1000 છે, પરંતુ આંખો અને પગ 2000-2000 હજાર નથી, પરંતુ 1000-1000 હજાર જ છે ! આવું કેમ? શું જવાબ આપશો આવા પ્રશ્નનો? વિચાર કરો.
8. આર્યસમાજનો ઈશ્વરવાદ વેદોક્ત છે. તેને સમજવાનો પ્રયાસ કરો, નાહકનો વિરોધ ઉચિત નથી. માટે વિનંતી છે કે ઉપરોક્ત વાતો પર ખુલ્લા મને વિચાર કરશો. અને સંસ્કાર-પ્રબળતા, આર્યસમાજ પ્રત્યેના તીવ્ર પૂર્વાગ્રહ કે અન્ય કોઈ કારણસર જો હજુ પણ સાકારવાદ અને મૂર્તિપૂજાનો આગ્રહ કરવો જ હોય તો તમારી સેવામાં “તમારા માથામાં વાગે તેવા” કેટલાક પ્રશ્નો નીચે લખ્યા છે, તેના યોગ્ય જવાબ શોધવાનો પ્રયાસ કરશો. (ક્રમશઃ)
શ્રી હિરેન ભાઈ ત્રિવેદીને ઉત્તરઃ (કુલ ચાર ભાગમાં)
ભાગઃ 4/4
પ્રશ્નઃ
1. કોઈ પણ સાકાર વસ્તુ અથવા સાકાર પદાર્થ ઈશ્વરના આશ્રય વગર ટકી શકતો નથી. માટે જો ઈશ્વર સાકાર હોય તો એ બતાવવામાં આવે કે તે શાના આશ્રયે ટકેલો છે ?
2. સાકાર વસ્તુ રંગ-રૂપ ધરાવતી હોય છે. જો ઈશ્વર સાકાર હોય તો એ બતાવો કે તેનો રંગ કેવો છે ?
3. સાકાર વસ્તુ હંમેશાં સીમિત (એકદેશી – મર્યાદિત) હોય છે, એ સર્વવ્યાપક હોઈ શકતી નથી. જો ઈશ્વર સાકાર હોય તો તે સર્વવ્યાપક શી રીતે હોઈ શકે ?
4. સાકાર વસ્તુનું વજન, માપ, લંબાઈ વગેરે હોય છે. જો ઈશ્વર સાકાર હોય તો તેનું વજન, માપ, લંબાઈ વગેરે બતાવશો ?
5. ચારેય વેદોમાંથી ‘મૂર્તિપૂજા’ શબ્દ શોધી બતાવશો ?
6. જો મૂર્તિપૂજા વૈદિક અર્થાત્ વેદ-વિહિત હોય તો કોની મૂર્તિ, કેટલી મૂર્તિ, કેવા પ્રકારની મૂર્તિ બનાવવી જાઈએ તે, અને તેના પૂજનની શી વિધિ હોવી જોઈએ – આ બધું વેદોમાંથી શોધી બતાવશો ?
7. એક જ સમયે કોઈ પણ પદાર્થમાં બે પરસ્પર વિરોધી ગુણો સાથે ન રહી શકે. તો પછી એક જ સમયે ઈશ્વર સાકાર અને નિરાકાર બંને શી રીતે સંભવી શકે ?
8. ઈશ્વર મૂર્તિમાં વ્યાપક છે કે નહિ ? જો છે, તો પછી પ્રાણ-પ્રતિષ્ઠા શા માટે કરો છો ? ઈશ્વર પ્રાણ-પ્રતિષ્ઠા કર્યા પહેલાં મૂર્તિમાં હોય છે કે પ્રાણ-પ્રતિષ્ઠા કર્યા બાદ જ મૂર્તિમાં આવે છે ? શું પ્રાણ-પ્રતિષ્ઠા કર્યા બાદ મૂર્તિમાં કોઈ વિશેષ શક્તિ આવી જાય છે ?
9. જો પ્રાણ-પ્રતિષ્ઠા કર્યા બાદ મૂર્તિમાં કોઈ વિશેષ શક્તિ આવી જતી હોય તો એ મૂર્તિ પોતાની ઉપરથી ઉંદર વગેરેને કેમ દૂર નથી કરી શકતી ?
10. અને જો પ્રાણ-પ્રતિષ્ઠા કરવાથી મૂર્તિમાં કોઈ વિશેષ શક્તિ આવી જતી ન હોય તો પછી એક સામાન્ય પથ્થર અને મૂર્તિમાં શો ફરક રહ્યો ?
(સંપૂર્ણ)
from Tumblr https://ift.tt/2PMwuwp
via IFTTT
No comments:
Post a Comment