લિજ્જત છે ! : અમૃત ‘ઘાયલ ’
———————————-
ગભરુ આંખોમાં કાજળ થઈ, લહેરાઈ જવામાં લિજ્જત છે,
ચર્ચાનો વિષય એ હોય ભલે, ચર્ચાઈ જવામાં લિજ્જત છે !
વેચાઈ જવા કરતાંય વધુ વહેંચાઈ જવામાં લિજ્જત છે,
હર ફૂલ મહીં ખુશબો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે .
પરવાના પોઢી જાયે છે ચિર મૌનની ચાદર ઓઢીને,
હે દોસ્ત, શમાની ચોખટ પર ઓલાઈ જવામાં લિજ્જત છે .
દુઃખ પ્રીતનું જ્યાં ત્યાં ગાવું શું ? ડગલે પગલે પસ્તાવું શું ?
એ જોકે વસમી ઠોકર છે પણ ખાઈ જવામાં લિજ્જત છે .
જે અંધ ગણે છે પ્રેમને તે આ વાત નહીં સમજી જ શકે :
એક સાવ અજાણી આંખથી પણ અથડાઈ જવામાં લિજ્જત છે .
બે વાત કરીને પારેવાં થઈ જાયે છે આડાંઅવળાં ,
કૈં આમ પરસ્પર ગૂંથાઈ, વિખરાઈ જવામાં લિજ્જત છે !
સારાનરસાનું ભાન નથી પણ એટલું જાણું છું 'ઘાયલ’
જે આવે ગળામાં ઊલટથી એ ગાઈ જવામાં લિજ્જત છે .
from Tumblr http://ift.tt/1YJObv2
via IFTTT
No comments:
Post a Comment