Sunday, December 27, 2015

ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા; કબરો ઉઘાડી જોયું તો ઈન્સાન નીકળ્યા. સહેલાઈથી ન પ્રેમનાં અરમાન...

ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા;
કબરો ઉઘાડી જોયું તો ઈન્સાન નીકળ્યા.

સહેલાઈથી ન પ્રેમનાં અરમાન નીકળ્યાં,
જો નીકળ્યાં તો સાથે લઈ જાન નીકળ્યાં.

તારો ખુદા કે નીવડયાં બિન્દુય મોતીઓ,
મારાં કરમ કે આંસુઓ તોફાન નીકળ્યાં.

એ રંગ જેને જીવ સમા સાચવ્યા હતા,
એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા.

મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,
કિન્તુ કરાર કલેશનાં મેદાન નીકળ્યા.

કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,
આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં.

હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
‘ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.

– અમૃત ‘ઘાયલ’


from Tumblr http://ift.tt/1QTPc2S
via IFTTT

No comments:

Post a Comment